Budget 2024: સરકારની પ્રાથમિકતા ખેડૂતોને પોષણક્ષમ દરે પૂરતી લોન આપવાની છે. આ માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના પરિણામે 1950માં કૃષિ ક્ષેત્રમાં બિન-સંસ્થાકીય ધિરાણનો હિસ્સો 90 ટકા હતો જે આજે ઘટીને માત્ર 23.40 ટકા થયો છે. કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રમાં સંસ્થાકીય ધિરાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
આર્થિક સમીક્ષાની વિગતો અનુસાર, 31 જાન્યુઆરી, 2024 સુધી કૃષિ માટે 22.84 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. તેમાંથી રૂ. 13.67 લાખ કરોડ શોર્ટ ટર્મ લોન છે અને રૂ. 9.17 લાખ કરોડ ટર્મ લોન છે. ખેડૂતોને ક્રેડિટ કાર્ડ હેઠળ વાર્ષિક સાત ટકાના દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. વ્યાજમાં ત્રણ ટકાની છૂટ પણ છે.
કૃષિ યોજનાનો વ્યાપ વધશે
કિસાન ક્રેડિટ કાર્ડે કૃષિ લોન સરળ બનાવી છે. આ વર્ષે 31 જાન્યુઆરી સુધીમાં, બેંકોએ રૂ. 9.4 લાખ કરોડની મર્યાદા સાથે 7.5 કરોડ KCC જારી કર્યા છે. ઉપરાંત, મત્સ્યોદ્યોગ અને પશુપાલન પ્રવૃત્તિઓની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે KCCનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. ગેરંટી વિના લોનની મર્યાદા વધારીને રૂ. 1.6 લાખ કરવામાં આવી છે. પાછલા નાણાકીય વર્ષમાં મત્સ્યોદ્યોગ માટે 3.49 લાખ KCC અને પશુપાલન માટે 34.5 લાખ KCC જારી કરવામાં આવ્યા છે.