દેશના તમામ શહેરોમાં લીલા શાકભાજીની સાથે ટામેટાંના ભાવમાં વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં ટામેટા 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં ટામેટાના પાકને નુકસાન થયું છે.
શાકભાજી વિક્રેતાએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ટામેટાંનો પુરવઠો યોગ્ય રીતે મળતો નથી, જેના કારણે તેના ભાવમાં વધારો થયો છે.
સ્થાનિક બજારની સાથે સાથે દિલ્હીના આઝાદપુર મંડી, ગાઝીપુર મંડી, ઓખલા સબજી મંડી જેવા જથ્થાબંધ બજારોમાં પણ ટામેટાંના ભાવ ઉંચા છે. લોકલ માર્કેટ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ પર ટામેટાંના ભાવ વધવાને કારણે દિલ્હીવાસીઓ પણ પરેશાન છે.
લક્ષ્મી નગરના એક રહેવાસીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે થોડા દિવસો પહેલા ટામેટાંની કિંમત 28 રૂપિયા પ્રતિ કિલો હતી, હવે તે 90 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ટામેટાંની સાથે લીલા શાકભાજી પણ મોંઘા થયા છે.
તેનું કારણ ભારે વરસાદ છે
ગાઝીપુર શાકમાર્કેટના વિક્રેતા પરવીતે જણાવ્યું હતું કે એક અઠવાડિયા પહેલા ટામેટાં 30 થી 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, જે હવે 60-70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
ઓખલા શાકમાર્કેટના શાકભાજી વિક્રેતાના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ટામેટાંના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ભારે વરસાદના કારણે આ ઉછાળો આવ્યો છે. ટામેટાંમાં લાંબી શેલ્ફ લાઇફ હોતી નથી. તે ઝડપથી સડવા લાગે છે. આવી સ્થિતિમાં, તેને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાતું નથી.
ભારે વરસાદને કારણે સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ હતી, જેના કારણે તેની કિંમતોમાં વધારો થયો હતો. હાલમાં ચોમાસાના આગમનને કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.