Cricket News: આરસીબીની ટીમે દિલ્હી કેપિટલ્સ ટીમને 8 વિકેટથી હરાવીને WPL 2024નો ખિતાબ જીતી લીધો છે. IPL અને WPL બંને લીગને જોડીને RCBનું આ પ્રથમ ટાઇટલ છે. ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે RCBને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં RCBએ સરળતાથી ટાર્ગેટનો પીછો કર્યો હતો.
આ અદ્ભુત ઘટના પ્રથમ વખત બની
વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ટીમે WPL ટાઈટલ જીત્યું હોય અને તે જ ટીમના ખેલાડીઓએ ઓરેન્જ કેપ અને પર્પલ કેપ પણ જીતી હોય. એલિસ પેરીએ આરસીબી તરફથી ઓરેન્જ કેપ જીતી છે. તેણે WPL 2024માં સૌથી વધુ રન બનાવ્યા છે. આ સિવાય શ્રેયંકા પાટીલે ચાલુ સિઝનમાં આરસીબી માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લીધી છે. આ કારણથી તેને પર્પલ કેપ મળી છે. ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ શ્રેયંકાના ખાતામાં ગયો છે.
સોફી મોલીનેઉને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો
ફાઈનલ મેચમાં RCB માટે સોફી મોલીનેઉએ બોલિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેણે ચાર ઓવરના ક્વોટામાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. RCBની જ્યોર્જિયા વેરહેમને WPL 2024 સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 163.23ની સ્ટ્રાઈક રેટથી 111 રન બનાવ્યા અને બેંગ્લોર માટે મહત્વપૂર્ણ રન બનાવ્યા.
RCBએ WPL 2024માં ટાઈટલ જીત્યું છે. આ પછી RCBના ખેલાડીઓએ ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન, પ્લેયર ઓફ ધ મેચ ફાઇનલમાં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન અને ફેર પ્લે એવોર્ડ પણ જીત્યા છે.
WPL 2024 ના તમામ એવોર્ડ વિજેતાઓ:
- વિજેતા (રૂ. 6 કરોડ) – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- રનર અપ (રૂ. 3 કરોડ) – દિલ્હી કેપિટલ્સ
- ઉભરતી ખેલાડી (રૂ. 5 લાખ) – શ્રેયંકા પાટિલ (RCB)
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (5 લાખ રૂપિયા) – દીપ્તિ શર્મા (UPW)
- ઓરેન્જ કેપ (રૂ. 5 લાખ) – એલિસ પેરી (RCB)
- પર્પલ કેપ (રૂ. 5 લાખ) – શ્રેયંકા પાટીલ (RCB)
- સૌથી વધુ છગ્ગા (રૂ. 5 લાખ) – શફાલી વર્મા (દિલ્હી કેપિટલ્સ)
- સિઝનનો સુપર સ્ટ્રાઈકર (રૂ. 5 લાખ) – જ્યોર્જિયા વેરહેમ (RCB)
- કેચ ઓફ ધ સીઝન (રૂ. 5 લાખ) – એસ. સજના (MI)
- ફેર પ્લે એવોર્ડ (રૂ. 5 લાખ) – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- ફાઇનલ મેચનો શ્રેષ્ઠ ખેલાડી (રૂ. 2.5 લાખ) – સોફી મોલિનાઉ (RCB)
- સિઝનનો બેસ્ટ કેચ- સંજના સજીવન (મુંબઈ ઈન્ડિયન્સ)
- સિઝનના સૌથી વધુ સિક્સર- શેફાલી વર્મા (દિલ્હી કેપિટલ્સ)
- WPL 2024 નો સર્વોચ્ચ સ્કોર- હરમનપ્રીત કૌર (મુંબઈ ઇન્ડિયન્સ)