જ્યારથી દુનિયાની શરૂઆત થઈ છે ત્યારથી માનવીનું એક જ વસ્તુ પર કન્ટ્રોલ નથી. એ છે ‘મૃત્યુ’. વ્યક્તિ ગમે તેટલી સંપત્તિ કે રુતબો મેળવી લે વ્યક્તિએ આ દુનિયા છોડવી જ પડે છે. જો કે, એક અબજોપતિ મૃત્યુને સીધો પડકાર આપી રહ્યો છે અને દાવો કરે છે કે તે એવી ટેક્નોલોજી વિકસાવી રહ્યો છે જેનાથી તે ‘અમર’ બની જશે.
સામાન્ય રીતે લોકો તે પામવા પર અડગ હોય છે જે તે હાંસલ કરી શકે. પરંતુ ‘અમર’ બનવા માટે એક અમેરિકન અબજોપતિ બ્રાયન જોન્સે ઠાની લીધું છે. આ માટે તે એ બધું જ કરી રહ્યો છે જે તેના હાથમાં છે. પોતાના કામકાજને પડતું મૂકીને તે અમરત્વના સૂત્રને કેવી રીતે હાંસલ કરી શકે તેના રિસર્ચમાં અઢળક સંપત્તિ દાવ પર લગાવી દીધી છે.
સાયન્સ ફિક્શન જેવી લાગતી આ કહાની અમેરિકન અબજોપતિ બ્રાયન જોન્સનની છે. બ્રાયનએ કહ્યું કે તેણે 12 મહિનાને બદલે 19 મહિનામાં એકવાર પોતાનો જન્મદિવસ ઉજવવાનું શરૂ કર્યું છે. તેનું કારણ તેની અજીબ જીન થેરાપી છે. બ્રાયનનો દાવો છે કે તેણે ફોલિસ્ટાટિન જીન થેરાપી લીધી, જેના પછી તેની ઉંમર મનુષ્યની સામાન્ય ઉંમર કરતાં 30 ટકા વધી શકે છે.
હકીકતમાં આ થેરાપીનું પરીક્ષણ ઉંદરો પર કરવામાં આવ્યું છે, જેમની ઉંમર 30 ટકા વધી છે. થેરાપી લીધા પછી તે દર 19 મહિનામાં તેનો જન્મદિવસ ઉજવે છે કારણ કે તેની એજિંગ પ્રોસેસ સ્લો પડી ગઈ છે. તે અગાઉ પણ એજ રિવર્સિંગ ટેક્નોલોજી માટે ચર્ચામાં રહ્યો હતો, જેમાં તેણે તેના લોહીને તેના પુત્રના લોહીથી બદલ્યું હતું અને દાવો કર્યો હતો કે તેને પોઝિટિવ રિઝલ્ટ મળશે.
જોકે બ્રાયન 47 વર્ષનો છે, પરંતુ તેને જોઈને આ વાત પર વિશ્વાસ નહીં આવે. તસવીરોમાં તે બાળકની જેમ માસૂમ અને સંતુષ્ટ દેખાય છે. તે ઘણા વર્ષોથી એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે. તેણે ‘પ્રોજેક્ટ બેબી ફેસ’ હેઠળ પોતાના ચહેરા પર રિવર્સ એજિંગ ઇફેક્ટ બતાવી હતી.
આ સિવાય તેણે પોતાનું બ્લડ તેના પિતાને આપ્યું જેના કારણે તેની ઉંમર 25 વર્ષ ઘટી ગઈ. તેનો દાવો છે કે તેના 17 વર્ષના પુત્રનું લોહી ચડાવ્યા બાદ તેની ફિટનેસ 18 વર્ષના યુવક જેવી થઈ ગઈ હતી. જો કે તેની લાઇફસ્ટાઇલ પણ ઘણી મુશ્કેલ છે. તે સવારે 11 વાગ્યા સુધી ખાવાનું ખાય છે અને તે પછી કંઈ ખાતો નથી. શુદ્ધ શાકાહારી ખોરાક અને અખરોટનો હલવો ખાય છે. પૂરતી ઊંઘ લેવા માટે તે રાત્રે 8.30 વાગ્યા સુધીમાં સૂઈ જાય છે.