Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થયું હતું. ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવેલું મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બૂથ નંબર ત્રણમાં એક માત્ર મતદાર હરિદાસબાપુએ મતદાન કરતા જ 100 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2002થી અહીં ખાસ બૂથની વ્યવસ્થા
જામવાળા ગીરથી 25 કિલો મીટર દૂર એક પૌરાણિક મંદિર આવેલું છે. જેને બાણગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં મંદિરના મહંત હરિદાસબાપુ બાણેજ રહે છે. જે મતદાન મથકમાં એકમાત્ર મતદાર છે. ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2002થી અહીં ખાસ બૂથની વ્યવસ્થા કરે છે. બાણેજ બૂથમાં મહંત હરીદાસબાપુએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતા જ અહીં 100 ટકા મતદાન થયું હતું. નોંધનીય છે કે, દર ચૂંટણીમાં આ બુથ પર 100 ટકા મતદાન થાય છે.
શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.