Today Gujarati News (Desk)
અભિનેતા અક્ષય કુમાર UAEના અબુ ધાબીમાં બની રહેલા BAPS હિન્દુ મંદિરમાં પહોંચ્યો હતો. તેમની સાથે જાણીતા ફિલ્મ સર્જક વાસુ ભગનાની અને અન્ય પ્રતિનિધિઓ પણ હતા. અહીં તેમનું સ્વાગત BAPS હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારી દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. અક્ષય કુમારે નિર્માણાધીન હિન્દુ મંદિર સંકુલની મુલાકાત લીધી હતી અને તેનો ઈતિહાસ પણ જાણ્યો હતો. મંદિરમાં પ્રદર્શન પણ જોયું અને શિલાપૂજા પણ કરી.
આ પ્રદર્શન મંદિરની એક આકર્ષક ઝલક રજૂ કરે છે, જેની કલ્પના 1997માં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સંવાદિતા અને શાંતિ માટે કરવામાં આવી હતી. આ મંદિર ફેબ્રુઆરી 2024માં તૈયાર થઈ જશે. BAPSના સ્વામી તીર્થસ્વરૂપદાસે જણાવ્યું કે અક્ષય કુમાર અને પ્રતિનિધિમંડળ મંદિરના મુખ્ય સ્વયંસેવકોની બેઠકમાં હાજરી આપી હતી. અહીં સ્વામી બ્રહ્મવિહારી દાસે મંદિરનો ઈતિહાસ શેર કરતા તેમના વક્તવ્યથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અક્ષય કુમાર અને ત્યાં હાજર ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ ઈશારો કરતા સ્વામીએ કહ્યું કે આ મંદિર પ્રોજેક્ટ સ્વર્ગમાં લખાયેલો છે અને હવે અહીં પૃથ્વી પર પ્રદર્શિત થઈ રહ્યો છે.
અક્ષય કુમાર અને પ્રતિનિધિ મંડળે મંદિરના નિર્માણમાં શિલ્પ પૂજા કરી, શિલારોપણની પૂજા સમારોહમાં ભાગ લીધો. અહીં તે 40,000 થી વધુ લોકો સાથે જોડાયો. જેઓએ મંદિરના નિર્માણમાં મદદ કરવા માટે પહેલાથી જ તેમના પથ્થરો નાખ્યા છે. બાદમાં અક્ષય કુમાર અને પ્રતિનિધિ મંડળે નિર્માણાધીન મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરની ભવ્ય સીડી પર ચડી હતી.
સ્વામી બ્રહ્મવિહારીદાસે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું અને ગુલાબી રાજસ્થાની પથ્થરો અને ઇટાલિયન માર્બલથી બનેલા મંદિરની આકર્ષક ડિઝાઇન અને સ્થાપત્ય દર્શાવ્યું. જેમાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અક્ષય કુમાર બે કલાકથી વધુ સમય સુધી મંદિરમાં રહ્યો હતો. બાદમાં મંદિરના નિર્માણમાં રોકાયેલા સ્વયંસેવકોને મળ્યા.