Today Gujarati News (Desk)
અમેરિકામાં દેખાયા બાદ હવે લેટિન અમેરિકામાં પણ ચાઈનીઝ જાસૂસી બલૂન જોવા મળ્યો છે. શુક્રવારે રાતે પેંટાગોને એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી. ત્યાંના પ્રવક્તા પેટ રાઈડરે કહ્યું કે અમને અહેવાલ મળ્યા છે કે લેટિન અમેરિકાના આકાશમાં એક બલૂન જોવા મળ્યો છે. અમે માનીને ચાલી રહ્યા છે કે આ બીજો ચાઇનીઝ જાસૂસી બલૂન છે.
ચીને કહ્યું આ એરશિપ ભટકી ગયું છે, અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ
ઉલ્લેખનીય છે કે એક ચાઇનીઝ જાસૂસી બલૂન અમેરિકાના હવાઇ ક્ષેત્રમાં પણ જોવા મળ્યો હતો અને હજુ તે અમેરિકાના હવાઇ ક્ષેત્રમાં થોડાક દિવસો સુધી હાજર રહેશે તેવી આશંકા છે. આ મામલે ચીને કહ્યું કે અમેરિકા પર ઉડાન ભરનાર એક એરશિપ ખરેખર હવામાન વિજ્ઞાન અને અન્ય વૈજ્ઞાનિક ઉદ્દેશ્ય માટે હતું. તે અમેરિકાના હવાઇ ક્ષેત્રમાં ભટકી ગયું તેના પર અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.
ચીનના વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા
ચીનના વિદેશમંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે એ એરશિપ અમારું જ છે. પશ્ચિમી પવન અને તેની મર્યાદિત નિયંત્રણ ક્ષમતાને કારણે આ એરશિપ તેની દિશાથી ભટકી ગયું હશે. અમે આ અનપેક્ષિત સ્થિતિનો નિકાલ લાવવા માટે અમેરિકા સાથે સંપર્કમાં છીએ.