કોમ્યુનિસ્ટ નેતા કેપી શર્મા ઓલી નેપાળના નવા વડાપ્રધાન બન્યા છે. ચીન તરફી ગણાતા ઓલીના વડાપ્રધાન બનવાથી ભારત-નેપાળ સંબંધો પર પણ અસર થશે. આનું કારણ ઓલીના તેમના પાછલા કાર્યકાળ દરમિયાનના કેટલાક નિર્ણયો છે. કેપી શર્મા ઓલી આ પહેલા બે વખત નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે. પ્રથમ વખત ઓક્ટોબર 2015 થી ઓગસ્ટ 2016 અને પછી ફેબ્રુઆરી 2018 થી જુલાઈ 2021 સુધી. જોકે બીજી વખત તેમનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારી દ્વારા તેમની નિમણૂક નેપાળની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરી હતી. ઓલીએ શેર બહાદુર દેઉબાની નેપાળી કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી સરકાર બનાવી છે. વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન, તેમણે 275-સભ્યોના પ્રતિનિધિ ગૃહના 165 સભ્યો દ્વારા સહી કરેલો સમર્થન પત્ર રજૂ કર્યો.
2015માં નેપાળના વડાપ્રધાન તરીકે ઓલીએ ભારત વિરુદ્ધ કેટલાક કડક પગલાં લીધા હતા. તે સમયે નેપાળના નવા બંધારણને લઈને સરહદી વિસ્તારોમાં તણાવ હતો. આ કારણે સરહદ પર નાકાબંધી કરવામાં આવી હતી, ઓલીએ આ અંગે કડક વલણ અપનાવ્યું હતું. આટલું જ નહીં ઓલીની સરકારે ચીન સાથેના સંબંધો પણ મજબૂત કર્યા. તે સમયે નેપાળે એક અપડેટેડ નકશો જાહેર કર્યો હતો, જેમાં ઉત્તરાખંડના લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો પ્રદેશ ગણાવ્યો હતો. જોકે, ભારતે નેપાળના દાવાને નકારી કાઢ્યો હતો અને બાદમાં આ અંગે બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં લાંબા સમયથી અસ્થિર સરકાર છે. 2008માં રાજાશાહીનો અંત આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 13 સરકારો બની છે. આવી સ્થિતિમાં, બધાની નજર નવા વડાપ્રધાન 72 વર્ષીય ઓલી પર છે કે તેઓ નેપાળને સ્થિર ભવિષ્ય આપશે. હાલમાં ઓલીના 165 સમર્થકોમાંથી 77 તેમની પાર્ટી સીપીઆઈ-યુએમએલના છે. જ્યારે 88 સભ્યો નેપાળી કોંગ્રેસ પાર્ટીના છે. રાજકીય અસ્થિરતા વચ્ચે, બંને પક્ષોના વડાઓએ ગયા અઠવાડિયે સાત મુદ્દાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી એક નવું ગઠબંધન બનાવવા અને પ્રચંડને વડાપ્રધાન પદેથી દૂર કરવા માટે કરવામાં આવી હતી. આ ડીલ હેઠળ, સંસદના બાકી રહેલા કાર્યકાળ દરમિયાન બંને પક્ષો એકાંતરે શાસન કરશે. આ મુજબ ઓલી આગામી 18 મહિના સુધી વડાપ્રધાન રહેશે.