Today Gujarati News (Desk)
ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં 7 જૂનથી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ભારતીય ટીમના ખેલાડીઓને 3 બેચમાં ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. ભારતીય WTC ટીમના સભ્યોની પ્રથમ બેચ, જેઓ IPLની 16મી સિઝનના પ્લેઓફમાં ન પહોંચી શકી તે ટીમોમાં સામેલ હતી, તે 23 મેના રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. જેમાં વિરાટ કોહલી ઉપરાંત રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ મુખ્ય ખેલાડી તરીકે સામેલ છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રથમ બેચ આજે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. RCB પ્લેઓફમાં ન પહોંચી શકયા બાદ વિરાટ કોહલી પણ WTC ફાઈનલ મેચની તૈયારી માટે પ્રથમ બેચ સાથે રવાના થઈ રહ્યો છે અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ તેમાં સામેલ છે. બીસીસીઆઈના સૂત્રએ પીટીઆઈને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમ કુલ 2 કે 3 બેચમાં રવાના થશે.
જયદેવ ઉનડકટ પણ ઈંગ્લેન્ડ જવા રવાના થશે
IPLની 16મી સિઝનમાં નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ પ્રથમ બેચ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ઉનડકટ હજુ ખભાની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. BCCIની મેડિકલ ટીમ લંડનમાં તેની ફિટનેસ પર સતત નજર રાખશે અને તે મુજબ ઉનડકટની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેવામાં આવશે.
જયદેવ ઉનડકટ અંગે બીસીસીઆઈના એક અધિકારીએ ઈન્સાઈડ સ્પોર્ટને આપેલા નિવેદનમાં જણાવ્યું કે શ્રી જયદેવ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા છે. તે તેનું પુનર્વસન પૂર્ણ કરવાની ખૂબ નજીક છે. પરંતુ તે હજુ સુધી મેચ માટે ફિટ નથી. તેણે હમણાં જ થોડી બોલિંગ શરૂ કરી છે. પરંતુ અમને આશા છે કે તે આવતા સપ્તાહ સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.